અન્નપૂર્ણા માં ની કથા
માગસર સુદ ૬ થી આ વ્રત શરુ થાય છે.
વ્રત કરનારે એકવીસ શેરનો ગાંઠવાળો દોરો જમણા હાથે બાંધવો.
વ્રત કરનારે દીપ પ્રગટાવીને કથા સંભાળવી.
એકવીસ દિવસ એકટાણું કર્યા બાદ વ્રત ઉજવવું.
અન્નપૂર્ણા માંની કથા
કાશી નગરમાં ધનપ્રસાદ તથા શ્રીલેખા નામે સંતોષી દંપતી રહેતું હતું.
શ્રીલેખાએ પોતાની ગરીબી નિવારવા શંકરની આરાધના કરવા પોતાના પતિદેવને કહ્યું.
આથી ધનપ્રસાદે શંકર ભગવાનની ત્રણ દિવસ સતત આરાધના કરી.
આથી ધનપ્રાસાદને એક અવાજ આવ્યો, અન્નપૂર્ણા અન્નપૂર્ણા.
અન્નપૂર્ણા એટલે શું તે ન સમજાતાં તેણે વિદ્વાનોને પૂછયું પણ સંતોષપૂર્ણ જવાબ ન મળ્યો.પત્નીએ કહેતા તેણે પુનઃ શિવ આરાધના નો પ્રારંભ કર્યો.
તેથી શિવજી પ્રસન્ન થયા. ગેબી અવાજ આવ્યો.
તું અહીંથી અન્નપૂર્ણાના જાપ જપતો જપતો પૂર્વ દિશામાં જા,
આગળ જતાં સરોવર આવશે.
આ પ્રમાણે જતાં સરોવર આવ્યું. અહીં અપ્સરાઓ અન્નપુર્ણાનો જય,
એમ બોલતી જોઈ બ્રાહ્મણને કંઈક આશા બંધાઈ કે પોતાને અહીંથી અન્નપૂર્ણા નો અર્થ જરૂર જાણવા મળશે. બ્રાહ્મણે તેઓને પૂછ્યું એટલે અપ્સરા બોલી,
આતો માં અન્નપૂર્ણાનું વ્રત કરીએ છે.
અન્નપૂર્ણા વ્રત માગસર સુદ છઠ્ઠથી શરુ કરવું અને એકવીસ દિવસે પૂર્ણ કરવું.
એકવીસ સેરનો દોરો લઇ એકવીસ ગાંઠ વાળી એકવીસ દિવસ ઉપવાસ કે એકટાણા કરવાં. માંની પૂજા કરી તથા દીપ પ્રગટાવીને ખાવું.
ભૂલથી ખવાયું હોય તો બીજા દિવસે નકોરડો ઉપવાસ કરવો.
વ્રતની ઉજવણીમાં બાળકો કે બ્રાહ્મણોને જમાડવા.
બ્રાહ્મણે ઉપરની વિધિ અનુસાર વ્રત કર્યું. આ પછી ચમત્કાર સર્જાયો. તેને રત્નજડિત સીડી દેખાઈ. સીડીથી નીચે ઉતારતા માતાજીનું મંદિર દેખાયું.
માંની મૂર્તિ દેખાતાં તે માંના ચરણોમાં પડ્યો. માતાએ દર્શન આપીને આશીર્વાદ આપ્યા ત્યાં તો તે ભગવાન શંકરના મંદિરમાં આવ્યોઅને ભગવાનને વંદન કર્યાં.
બ્રાહ્મણ શ્રીમંત થતો ગયો પરંતુ તેને શેર માટીની ખોટ હતી. આથી શ્રીલેખાએ બીજું લગ્ન કરવા દીધું. પરંતુ આવનારી શોક્ય ઈર્ષાળુ હતી.
આથી શ્રીલેખા જુદી રહી.
માગશર માસ આવ્યો. શ્રીલેખાને ત્યાં આવી ધનપ્રસાદે તથા શ્રીલેખાએ વ્રત શરુ કર્યું. ત્યાં તો નવીએ પોતાનેં ત્યાં લઇ જઇ ધનપ્રાસાદના હાથનો દોરો તોડીને સળગાવી નાખ્યો. ને ચમત્કાર સર્જાયો. ઘરમાં આગ ભભૂકી ઉઠી. આની ખબર પડતાં શ્રીલેખા દોડી આવી અને પોતાને ત્યાં ધનપ્રસાદને લઇ ગઈ.
આથી નવી તેના પિતાને ઘેર ચાલી ગઈ.
દુઃખી થતા પતિએ એકવીસ દિવસ સુધી વ્રત કર્યું. આથી માએ દર્શન દીધાં. માંએ કહ્યું તું મારી મૂર્તિની પૂજા કરીશ તો શ્રીલેખાને પુત્ર અવતરશે.
માં અંતર્ધ્યાન થયાં.
ધનપ્રસાદે ઘરે આવી બધી વાત કરી.
હવે ધનપ્રાસાદની સ્થિતિ સારી થઇ ગઈ અને શ્રીલેખાએ પણ પુત્રને જન્મ આપ્યો. શ્રીલેખાએ નવીને પાછી બોલાવી. વ્રતના પ્રભાવથી નવીએ ઈર્ષા કરવાની વૃત્તિ છોડી દીધી અને સૌ સાથે મળી સુખશાંતિથી જીવન વ્યતિત કરવા લાગ્યાં.
। । અસ્તુ । ।
